– પાર્થ ઠુંમર
(This blog is the sixth in the series of bogs that JILS will publish in various vernacular languages as a part of its initiative to mark the International Mother Language Day.)
ભાષા એ ગતિશીલ સમાજના હૃદય નો ધબકારો છે, અને તે જ રીતે સાક્ષરતા એ ગતિશીલ મનુષ્યના હૃદય નો ધબકારો છે. તેથી કહી શકાય કે ભાષા એ સમાજની સાક્ષરતાનું માધ્યમ છે. સાક્ષરતાનું માપદંડ માત્ર શૈક્ષણિક સાક્ષરતા પૂરતું સીમિત નથી. સાક્ષરતા એ એક બહુમુખી માપદંડ છે અને કાયદાકીય સાક્ષરતા તેનો એક મહત્વનો ભાગ છે. સરળ શબ્દોમાં સમજીએ તો કાયદાકીય સાક્ષરતા એટલે પોતાના હક પ્રત્યેની સજાગતા અને તે હક પ્રાપ્ત કરવાના માર્ગની સમજણ
સામાન્ય માણસોમાં એક એવી ગેર સમજૂતી પ્રવર્તે છે કે કાયદો માત્ર વકીલો માટે છે અને આપણે કાયદાને સમજવાની જરૂર નથી. અહીં એક વાત સ્પષ્ટપણે સમજવાની જરૂર છે કે કાયદાકીય સાક્ષરતા માટે સામાન્ય માણસે વકીલોની જેમ કાયદાના પુસ્તકો વાંચવાની જરૂર નથી. આપણે માત્ર સમાજમાં નથી રહેતા પણ આપણે એક એવા સમાજમાં રહીએ છીએ કે જ્યાં લોકશાહી પ્રવર્તે છે. લોકશાહીને સાદા શબ્દોમાં સમજીએ તો લોકશાહી એટલે લોકોનું લોકો પર શાસન એટલે કે આપણું આપણા ઉપર શાસન અને આ શાસન કરવા માટે કાયદાકીય સાક્ષરતા હોવી ખૂબ જરૂરી છે.
એક બહું સરળ વાત જે દરેક સામાન્ય માણસોએ સમજવી જોઈએ તે એ છે કે, વકિલો ભલે કાયદા અને કાયદાની પ્રક્રિયાના જાણકાર હોય, પણ કાયદો માત્ર વકિલો ઉપર જ નહી પણ સમાન રીતે દરેક વ્યક્તિને લાગું પડે છે. સરકાર દરેક વ્યક્તિ પાસે કાયદાના પાલનની અપેક્ષા રાખે છે, તમે કાયદાના જાણકાર હોવ કે નહીં. અને જ્યારે કાયદાના ઉલ્લંધન માટે તમને ન્યાયપાલિકા સામે હાજર કરવામાં આવે ત્યારે તમે કાયદાની જાણકારી ન હોવાનો દાવો કરી પોતાનો બચાવ ન કરી શકો. આ આપણી કાયદાકીય વ્યવસ્થાનો એક સિદ્ધાંત છે, અને બહું યોગ્ય પણ છે, નહીતર દરેક ગુનેગાર પોતાના બચાવમાં તેને જે કાયદાના ઉલ્લંધન માટે હાજર કરવામાં આવ્યો છે તેનું જ્ઞાન ન હોવાની દલીલ કરીને છટકી જશે. આ બાબત કાયદાકીય સાક્ષરતાને છે અનિવાર્ય બનાવે છે.
માત્ર પોતાના હકોની જાણકારીએ જ કાયદાકીય સાક્ષરતા નથી, પરંતુ તે હકોના ઉલ્લંધન નો ઉપાય અને તે ઉપાયને વાસ્તવિક રીતે મેળવવાની પ્રક્રિયાની જાણકારી પણ કાયદાકીય સાક્ષરતાનું એક અગત્યનું પાસું છે. ખરેખર તો આ બંનેનો સમન્વય જ સમાજના સામાજીક અને આર્થિક વિકાસની ચાવી છે અને તેની ગેરહાજરી સમાજને વિકાસથી વંચિત રાખે છે અને સમાજના નિચલા તબકાના શોષણમાં પરિણમે છે.
સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે શૈક્ષણિક સાક્ષરતા સમાંતર રીતે માણસના હકોની પ્રાપ્તીમાં નથી પરિણમતી. આમાં સામાન્ય પ્રજાનો કોઈ દોષ નથી. ઘણીવાર શૈક્ષણિક પ્રમાણપત્રો ધરાવતા લોકોમાં પણ આ બાબતોની જાણકારી નથી હોતી. આ સંજોગોમાં કાયદાકીય સાક્ષરતાની ઉણપ એ તેનું મુખ્ય અવરોધક છે. આ કાયદાકીય સાક્ષરતાનો અભાવ આપણને એવા સમાજમાં જીવવા મજૂબર કરે છે જ્યાં ક્યારેક ગુનેગારને કાયદાજ્ઞાન ત્યારે જ આવે છે જ્યારે તે કાયદાનું ઉલ્લંઘન કરે છે.
તો અંતે પ્રશ્ન એ થાય કે સમાજને કાયદાકીય રીતે સાક્ષર બનાવવાનો ઉપાય શું? સરળ જવાબ છે યુવાધન. અમેરિકામાં દરેક વિશ્વવિદ્યાલમાં અમેરિકી બંધારણનો અભ્યાસ કરાવવામાં આવે છે જ્યારે ભારતમાં બંધારણનો અભ્યાસ માત્ર વકાલતના વિદ્યાર્થીઓ પૂરતો સિમિત છે. બંધારણ એ દેશનો સર્વોચ્ચ કાયદો છે. કાયદાનો પણ કાયદો છે એમ કહીએ તો ખોટું નથી. આપણે બંધારણને માત્ર એક કાયદાના વિષયથી ઉપર ઉઠીને એક સામાજીક પરિવર્તનના વિષય તરીકે જોવો જોઈએ કારણ કે સમાજના પરિવર્તનમાં માત્ર વકિલોની જ નહી પરંતુ દરેક તબકાની ભાગીદારી છે, અને આ સમજણ સાથે ભારતે પણ દરેક સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં ફરજીયાત બંધારણને એક વિષય તરીકે દાખલ કરવો જોઈએ. આજે વિધિ વિશ્વવિધાલયોમાં પણ કાયદાશાસ્ત્રનો અભ્યાસ માત્ર ભવિષ્યના વકિલો તૈયાર કરવા પૂરતો સિમિત થઈ ગયો છે. વિધિ વિશ્વવિધાલયો કાનૂની જાગૃતિના ઘણા કાર્યક્રમો થાય છે પરંતુ તેનું પરિણામ ધાર્યા મુજબનું નથી. માત્ર કાયદાશાસ્ત્રના વિદ્યાર્થીઓજ નહી પરંતુ સમગ્ર શાળાઓ અને વિશ્વવિધાલયોના વિદ્યાર્થીઓને આ સજાગતા અને જાગૃતિના કાર્યક્રમોમાં જોડવા જોઈએ, કારણકે વિદ્યાર્થીઓમાં અને યુવાઓમાં ન્યાયના દૂત બનવાની ખરી સક્ષમતા છે.
આ ન્યાયના દૂતો સમાજના દરેક વંચિત વર્ગને પોતાના મૂળભૂત અધિકારોની જાણકારી, મફત કાનૂની સહાયના હકદાર હોવાની જાણકારી, મહિલાઓના વિશેષ અધિકારોની જાણકારી, સશક્ત માનવજીવન માટે અમલમાં મૂકવામાં આવેલા અમુક વિશેષ કાયદાઓની જાણકારી જેવા કે, માહિતીનો અધિકાર અધિનિયમ ૨૦૦૫, શિક્ષણનો અધિકારનો અધિનિયમ ૨૦૦૯, અન્ન સુરક્ષા અધિનિયમ ૨૦૧૩, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ૧૯૮૯ વિગેરે વિશે જાગ્રૃત કરી શકે છે.
અંતે એટલું કહી શકાય કે, જ્યાં સુધી આપણે કાયદાકીય સાક્ષરતાને સાચા અર્થમાં સજાગ નહી કરીએ ત્યા સુધી સામાન્ય પ્રજાનો હકો–અધિકારોનું ઉલ્લંધન થતું રહેશે, પોલિસના નિર્દોશો ઉપર દમનો ચાલું રહેશે, ફીના નામ પર ભષ્ટાચાર વસુલાતો રહેશે અને અંતે ન્યાય એક દિવાસ્વપન બનીને રહી જશે.
The author, Parth Thummer, is a 1st year LLB (Hons.) student at RGSOIPL, IIT Kharagpur.
