By Parth Thummar
(This is our first post as we begin the 3rd edition of the JILS Vernacular Publication Initiative, to mark the celebration of the International Mother Language Day. Through this initiative, we at JILS, attempt to take a small step towards making legal education and information more inclusive and accessible, and countering the stronghold of English in legal academia, through publication in vernacular languages.)
પ્રારંભ:
પાછલા ઘણા વર્ષોથી અવારનવાર ભારતના મુખ્ય ન્યાયાધીશો, કાયદાના સ્નાતકોને કોર્ટરૂમ પ્રેકટીસ એટલેકે પારંપરિક કાયદાકીય વ્યવસાય સાથે જોડાઈ, વંચિત અને પાછલા વર્ગના લોકોના હિતનું રક્ષણ કરી રાષ્ટ્રની સેવા કરવા માટે આહવાન કરતા આવેલા છે. તાજેતરમાં નેશનલ લો યુનિવર્સિટી, દિલ્હીના દીક્ષાંત સમારોહમાં, હાલના ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમનાએ મોટાભાગના કાયદાના સ્નાતકોના કોર્પોરેટ ફર્મ માં જોડાવાના વલણ વિષે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. લેખકના મતે મુખ્યત્વે બે પરિબળો આ વલણ માટે જવાબદાર છે:
– પ્રથમ, ઇજનેરી અને દાક્તરીના સ્નાતકો સમાન સ્પર્ધાત્મક પગાર ધોરણ મેળવવાની અપેક્ષા, અને
– બીજું, કોર્ટરૂમ પ્રેકટીસમાં જુનિયર વકીલો (તાલીમાર્થી વકિલો) ના અત્યંત નીચા પગાર ધારણ ધોરણ. એક સર્વે માં જાણવા મળેલું કે બે વર્ષથી ઓછી પ્રેક્ટિસ ધરાવતા જુનિયર વકીલો મહિને ₹૧૦,૦૦૦ થી ઓછી કમાણી કરે છે.
શું કારણ હોય શકે કે કાયદાનો સ્નાતક જયારે કોર્પોરેટ ફર્મ માં જોડાય ત્યારે માસિક આશરે ₹૫૦,૦૦૦ થી ૧ લાખ સુધી કમાવાની ક્ષમતા રાખે છે, પણ જો તે જ વ્યક્તિ કોઈ વરિષ્ઠ વકીલના ચેમ્બરમાં જુનિયર વકીલ તરીકે જોડાઈ કોર્ટરૂમ પ્રેકટીસ કરવા તરફ આગળ વધે, તો માસિક આશરે ₹૧૦,૦૦૦ માં આજના મોંઘવારીભર્યા જીવનમાં સંઘર્ષ કરવા મજબુર બને છે. વરિષ્ઠ વકીલો આ નીચલા પગાર ધોરણને મુખ્યત્વે બે કારણોથી વ્યાજબી ઠેરવે છે:
– પ્રથમ, પ્રારંભિક સંઘર્ષએ કોર્ટરૂમ પ્રેકટીસમાં જોડાતા દરેક કાયદાના સ્નાતક માટે અનિવાર્ય છે અને જયારે તેમણે તેમની કાયદાકીય કારકિર્દી શરુ કરેલી ત્યારે તેમણે પણ નજીવા પગારે તેમના સિનિયર વકીલ પાસે તાલીમ લીધેલી, અને
– બીજું, કાયદાનો વિદ્યાર્થી માત્ર કાયદાનું સૈદ્ધાંતિક જ્ઞાન (વ્યહવારું ભાષામાં પુસ્તકિયું જ્ઞાન) લઈને કાયદાનો સ્નાતક બને છે, અને તેની કોર્ટરૂમ પ્રેકટીસની ખરી અને વ્યવહારુ તાલીમ સિનિયર વકીલના માર્ગદર્શન હેઠળ શરુ થાય છે.
આ બે કારણોમાં, આજે આ લેખ દ્વારા બીજા કારણને કેવી રીતે ટાળી શકાય કે જેથી જેવી રીતે અન્ય સ્વ-રોજગારના વ્યાવસાયના સ્નાતકો જેવા કે ડોક્ટરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને કંપની સેક્રેટરીઓ વગેરે તેમના અભ્યાસ પછી પુરેપુરા સ્વતંત્ર વ્યવસાય અને પ્રેકટીસ કરવા માટે સક્ષમ હોય છે, તેવી રીતે કાયદાના સ્નાતક પણ એવો અભ્યાસ પ્રાપ્ત કરે કે અભ્યાસ પછી તેઓ કોર્ટરૂમ પ્રેકટીસ માટે પુરે પુરા સક્ષમ હોય.
લેખકના મતે આ કારણ કાયદાકીય અભ્યાસના દાક્તરીકરણ એટલેકે કાનૂની શિક્ષણની રૂપરેખા અને રચના દાક્તરીના અભ્યાસના ઢાંચામાં ઢાળી ટાળી શકાય.
તબીબી શિક્ષણનો પરિચય:
તબીબી શિક્ષણ અને તબીબી વ્યવસાય એકબીજા સાથે અત્યંત ગૂઢ રીતે સંકળાયેલા છે. કોઈ એવી મેડિકલ કોલેજ ન હોઈ શકે કે જે હોસ્પિટલ સાથે ન સંકળાયેલી હોય. હકીકતમાંતો કોઈ મેડિકલ કોલેજ ચાલુ કરતા પહેલા હંમેશા હોસ્પિટલ શરુ કરવામાં આવે છે અને જયારે હોસ્પિટલ પરિપૂર્ણ રીતે બધી સેવા આપવાની ચાલુ કરે એટલેકે સંપૂર્ણ સારવારના બધા વિભાગો હાજર હોય, ત્યારે જ તે હોસ્પિટલમાં મેડિકલ કોલેજને શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે છે.
જો કોઈ એવું પાસું હોય કે જે દાક્તરીના અભ્યાસને બીજી બધી વિદ્યાશાખાઓથી અલગ કરતું હોય તો તે છે પ્રેક્ટિસ કરતા ડૉક્ટર પાસે થી સીધું શિક્ષણ. દાખલાતરીકે એવા પ્રોફેસર કે જે ગાયનેકોલોજિસ્ટ છે અને દિવસભર સ્ત્રીરોગ સારવાર માં સંકળાયેલા છે, તેમની પાસેથી ગાયનેકોલોજી ભણવાનો વિચાર માત્રપણ હરકોઈને સમજણ આપવા માટે પર્યાપ્ત છે કે તે પ્રોફેસરની પાસેથી મેળવેલું શિક્ષણ વિદ્યાર્થીને વિષય ભણતા ભણતા પ્રેકટીકલ સમજણ આપવા માટે પર્યાપ્ત છે. બીજી બધી વિદ્યાશાખાઓમાં જેવી કે કાયદામાં, પ્રોફેસરો, સંપૂર્ણ સમય શિક્ષણસાથે જોડાયેલા હોય, એટલે કે તેઓ જે વિષય ભણાવતા હોય તેની પ્રેકટીસ ના કરતા હોય. મોટાભાગના કિસ્સાઓમાં તેમણે પ્રોફેસર બનતા પહેલા પણ પ્રેકટીસ ના કરેલી હોય. હરકોઈ એ વાત માનશે કે જે પ્રોફેસર પોતાના વિષયની તે વિષય ભણાવવા સાથેસાથે પ્રેકટીસ પણ કરતા હોય, તેમનો તે વિષય ભણાવવા પ્રત્યેનો અભિગમ પુરેપુરો અલગ હોય છે.
મેડિકલ કોલેજના પ્રથમ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ પાયાના વિષયો ભણે અને જે વિષય ભણે છે તેની સમજણ માટે મૃતકોના શબ નો અભ્યાસ કરે. સાથે સાથે હોસ્પિટલ માં આવતા મરીજોની જ્યારે દાક્તરો તાપસ અને સારવાર કરતા હોય ત્યારે અવલોકન કરે. આ રીતે પહેલું વર્ષ તેમને દાક્તરીના વ્યવસાય સાથે પરિચય કરાવે.
કોલેજના બીજા વર્ષથી તેમની ખરી રીતે પ્રાયોગિક તાલીમ શરુ થાય. દરેક વિષય અનુરૂપ તેમને દરેક સારવાર ના વિભાગ માં પોસ્ટિંગ આપવામાં આવે જેને તેઓ ક્લીનીક ના નામથી ઓળખે. દાખલા તરીકે, મેડિસિન વિષયના ક્લીનીક માટે તેમને સારવારના વોર્ડ કે જ્યાં દાખલ કરેલા મરીજોને રાખવામાં આવેલા હોય ત્યાં અમુક સમય માટે પોસ્ટિંગ આપવામાં આવે. આ વોર્ડમાં વિદ્યાર્થીઓ મરીઝની પ્રાથમિક માહિતી લેવાનું, તેમના રોગ ને ઓળખાવાનું, કઈ સારવાર આપી શકાય તેનો અભ્યાસ કરે. ઓબ્સ્ટેટ્રિક્સ (પ્રસૂતિશાસ્ત્ર) અને ગાયનેકોલોજી ના વિષય માટે તેઓ OPD (આઉટ પેશન્ટ ડીપાર્ટમેન્ટ), IPD (ઈન-પેશન્ટ ડીપાર્ટમેન્ટ) અને OT (ઓપેરશન થિયેટર) ની મુલાકત કરે અને મરીજોને આપવામાં આવતી તબીબી સારવાર નો અભ્યાસ કરે.
પ્રેકટીકલ પરીક્ષા દરમિયાન હોસ્પિટલના નિયમિત મરીજોને બોલવામાં આવે અને વિદ્યાર્થી ડૉક્ટર ની સામે તેને ચકાશે અને આ રીતે વિદ્યાર્થીના જ્ઞાન ની ચકાસણી થાય.
આ હતો દાક્તરીના અભ્યાસનો ટૂંકો પરિચય. હવે આપણે જોઈએ કે કઈ રીતે આ મોડેલને કાયદાકીય અભ્યાસમાં ઢાળી શકાય.
કાયદાકીય અભ્યાસની રૂપરેખા:
સન ૧૯૮૮ માં કાયદાના શિક્ષણને એક નવી દિશા મળી નેશનલ લૉ સ્કૂલની બેંગ્લોરે માં સ્થાપના થવાથી. આજે દેશમાં ૨૩ નેશનલ લૉ યુનિવર્સિટીઓ (NLUs) છે. NLUs નો પયૉગ ઘણો સફળ પુરવાર થયો છે, પરંતુ હવે એવી લૉ કોલેજોની સ્થાપના કરવાની જરૂર છે કે જે ન માત્ર એલ.એલ.બી. ડિગ્રી વાળો વકીલ બનાવે પણ ખરા અર્થમાં કાયદાના સ્નાતાનને સંપૂર્ણ રીતે વકીલ બનાવીને સમાજ ની સામે પ્રસ્તુત કરે. નીચે આપેલી રૂપરેખા એ માત્ર ઉપરી ઢાંચો છે અને કાયદાના શિક્ષણને એક નવી દિશામાં લઇ જવાની શરૂઆત છે.
જેવી રીતે રાજ્ય સરકારોએ NLUs ની સ્થાપનાઓ કરેલી છે, તેવી જ રીતે, દરેક રાજ્યસરકારે એવી લૉ કોલેજની સ્થાપના કરવી જોઈએ જે ન્યાયાલયો સાથે સીધી રીતે સંકળાયેલી હોય. દરેક રાજ્યમાં શરૂઆત ના ધોરણે એવા જિલ્લાની દીવાની એને સત્ર ન્યાલયાલ માં લૉ કોલેજ બનાવી શકાય કે જે જિલ્લામાં રાજ્યની વડી અલદાલત (હાઈ કોર્ટ) પણ આવેલી હોય. દાખલા તરીકે ગુજરાત માં સિટી સિવિલ અને સેશન્સ કોર્ટ, અમદાવાદ કારણકે અહીં અમદાવાદ જિલ્લામાં ગુજરાતની વડી અદાલત સ્થિત છે અને તદુંપરાંત ઘણી બધી ટ્રિબ્યૂનલો અને ન્યાયની બીજી ઘણી ફોરમો જેમકે ગ્રાહક સુરક્ષા ફોરમ ઇત્યાદિ પણ આવેલી છે. હકીકતમાં લૉ કોલેજ આ દરેક કોર્ટ સાથે સંકળાયેલી હોય શકે અને તેમના દ્વારા એક સંયુક્ત એલ.એલ.બી. ડિગ્રી ના અભ્યાસક્રમ ની રચના કરવામાં આવી શકે. આવા સંયુક ડિગ્રી ના દાખલા તરીકે જોઈ શકાય કે, ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન, ખડગપુર (IIT ખડગપુર), ભારતીય પ્રબંધ સંસ્થાન, કોલકાતા (IIM કોલકાતા) અને ભારતીય આંકડાકીય સંસ્થાન, કોલકાતા (ISI કોલકાતા) સંયુક રીતે એક પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બિઝનેસ એનાલિટિક્સ નામની ડિગ્રી આપે છે.
આવી ન્યાયાલય સાથે સંકળાયેલી કોલેજમાં, તે ન્યાયાલયમાં આવેલા જજોને તેમના હોદ્દાની રૂએ અને તે ન્યાયાલ સમક્ષ વિવિધ કાયદાકીય ક્ષેત્રોમાં અમુક વર્ષની પ્રેકટીસ ધરાવતા વકીલોને પ્રોફેસર નીમી શકાય. રાજ્યની અગ્રણી ન્યાયાલય હોવાના કારણે, પૂરતા પ્રમાણ માં વકીલો ની નિમણુંક કરી શકાય કે જેથી જજો અને વકીલો ઉપર અઠવાડિયામાં ૧-૨ કલાકથી વધારે ભણાવવાનો બોજ ના પડે. કાયદાની પ્રેકટીસ કરતા વકીલો જયારે પ્રોફેસર તરીકે ભણાવશે, ત્યારે, તેઓ વિધાર્થીઓને કોઈ પણ કાયદાકીય સિદ્ધાંત ભણાવતી વખતે તેમના કારકિર્દીનો નિચોડ પરોસસે. આરીતે વિદ્યાર્થીઓ કાયદાના વ્યવહારુ જ્ઞાનથી વાકેફ થવાનું વર્ગખંડ માંથી જ શરુ કરી દેશે.
જે રીતે મેડિકલ કોલેજમાં વિધાર્થીઓએ દરેક વિષય અનુરૂપ સારવારના વિવિધ વિભાગોમાં ક્લીનીક કરવાના હોય, તે જ રીતે, અહીં વિદ્યાર્થીઓ માટે, દરેક વિષય અનુરૂપ ક્લીનીકનો પાઠ્યક્રમ માં સમાવેશ કરી શકાય. દાખલા તરીકે, ફેમિલી લૉના ક્લાસ સાથે, ફેમિલી લૉના ક્લીનીક હોય. આ ક્લીનીકના ભાગ રૂપે, વિદ્યાર્થીઓ અમુક દિવસ માટે, ફેમિલી કોર્ટમાં જાય અને ત્યાં ચાલતા મુકદ્દમાઓનો અભ્યાસ કરે. વારાફરતી તેમની પોસ્ટિંગ વાદી અને પ્રતિવાદી ના વકીલો સાથે અને ન્યાયાધીશો સાથે હોય કે જેમાં તેઓ તેમની સાથે કામ કરે અને મુકદ્દમાઓને વાદી, પ્રતિવાદી અને ન્યાયાધીશોના નજરિયાથી સમજી શકે. ક્રિમીનલ લૉ ના ક્લાસના ભાગ રૂપે તેઓ ક્લીનીક કરે અને આ ક્લીનીક ના ભાગ રૂપે તેમની પોસ્ટિંગ પોલીસે સ્ટેશન, સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલો સાથે હોય. આ રીતે તેઓ, વિવિધ ગુનાઓ, ફોજદારી મુકદ્દમાઓની પ્રક્રિયાઓ , દસ્તાવેજી અને મૌખિક પુરાવાઓ, ગુનેગાર અને ગુનામાં ભોગ બનનાર વ્યક્તિ ઈત્યાદિની સમજ મેળવી શકે.
વિદ્યાર્થીઓના અમુક ક્લીનીક કાનૂની સેવા સત્તા મંડળ, વકીલોની ઓફિસે વિગીરે માં પણ હોવા જોઈએ. ટૂંકમાં જે કોઈ વિષય ભણે તેના ક્લીનીક દ્વારા તે વિષયનું વ્યવહારિક જ્ઞાન મળે તે રીતના લૉ કોલેજના માળખાની જરૂર છે અને આ માળખું, માત્ર એવી કોલેજ માં હોય શકે જે કોલેજ કોઈ ન્યાયાલય સાથે સંકળાયેલી હોય.
લેખકે આગલા વર્ષે કોરોનામાં જયારે લૉ કોલેજોએ ઓનલાઈન શિક્ષણ આપવાની શરૂઆત કરેલી, અને આ ઓનલાઈન શિક્ષણ ને કારણે કાયદાકીય અભ્યાસમાં જે સકારત્મક બદલાવો આવેલા તેની વાત આ લેખમાં કરેલી. આ બધા બદલાવ અહીં દર્શાવેલા મોડેલ માં ચાલુ રાખવા જોઈએ. તદુપરાંત દરેક વિષય જે વિદ્યાર્થીઓ ભણે તેના ક્લીનીક ના એક ભાગ રૂપે, મૂટ કોર્ટ હોવી જોઈએ, જેમાં વિદ્યાર્થીઓને એક મુકદ્દમો આપવામાં આવે અને વિધાર્થીઓ તેમને ફાળવેલી બાજુ (ફરિયાદી/બચાવપક્ષ અથવા વાદી/પ્રતિવાદી) માટે મુકદ્દમો તૈયાર કરે અને જજ સામે દલીલો પેશ કરે. આ મૂટ કોર્ટ જજ તરીકે વકીલો અથવા સંકળાયેલી કોર્ટના જજો બેસી શકે.
મેડિકલ કોલેજ માં દરેક વિષયમાં મૌખિક પરીક્ષા પણ એક અભિન્ન ભાગ છે. કાયદાના અભ્યાસમાં બોલવાની અને પોતાની વાત રજુ કરવાની કળાનું ખુબ મહત્વ છે. આ કળા કેળવવા માટે, દરેક વિષયમાં મૌખિક પરીક્ષાનો સમાવેશ કરવો જોઈએ.
આવા લૉ કોલેજના માળખામાં, વિદ્યાર્થીઓ દીવાની અને ફોજદારી મુકદ્દમાની પ્રકૃતિ અને પ્રક્રિયા, ટ્રાયલ કોર્ટ, અપીલ કોર્ટ, વિવિધ ટ્રિબ્યૂનલો ની પ્રેકટીસ સાથે પરિચિત થશે. તદુપરાંત કાયદાને બાર અને બેન્ચ (એટલેકે વકીલોની બાજુ અને જજોની બાજુ) ના પરિપ્રેક્ષ્યથી સમજશે.
આ માળખું એ સૈદ્ધાંતિક શિક્ષણ અને કોર્ટરૂમ પ્રેકટીસની કળા કેળવનાનું સમન્વય છે. જયારે તેમના ભણતર દરમિયાન જ વિદ્યાર્થીઓ પ્રેકટીસ માટે તૈયાર થશે ત્યારે તેઓ આ રોમાંચક અને પડકાર ભર્યા વ્યવસાય કે જેને ઉમદા વ્યવસાયનો દરરજો મળેલો છે, તેની સાથે જોડાવા માટે આપોઆપ પ્રેરિત થશે.
The author, Parth Thummar, is currently a law student at the Rajiv Gandhi School of Intellectual Property Law, IIT Kharagpur.
