By Parth Thummar
(This is our seventh vernacular post under the 2021 edition of the JILS Vernacular Publication Initiative, that marks the celebration of the International Mother Language Day. Through this initiative, we at JILS, are attempting to take a small step towards making legal education and information more inclusive and accessible, and countering the stronghold of English in legal academia with publication in vernacular languages.)
કોવીડ-૧૯ એ બધાને શારીરિક અંતર જાળવીને દરેક કામ કરવા માટે મજબુર કરી દીધા. આ શારીરિક અંતર તો જાળવી લઈએ, પણ ખરેખરતો માનવજીવન સામાજિક વાટાઘાટો અને સંબંધો પર આધારિત છે. કોરોના મહામારીને કારણે માનવજીવન ક્ષણભર માટે થોભ્યું, પણ અટક્યું નહિ. આ કપરા સમયમાં એક ક્ષેત્ર કે જેને સૌથી વધારે વિપરીત અસર થઇ હોય તો એ છે શિક્ષણ. શિક્ષણ માત્ર શિક્ષકના વ્યાખ્યાન પૂરતું સીમિત નથી, પણ શાળામાં એકબીજા સાથે ના સંવાદ અને વિધાર્થીઓના કલબલાટભર્યા વાતાવરણમાં પણ છે. શારીરિક અંતર જાળવવા માટે અને શિક્ષણ પર રોક ના લાગે તે માટે શાળાઓ ઓનલાઇન કલાસિસ તરફ વળી જેમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ એક ઓનલાઇન માધ્યમમાં ભેગા થાય અને શિક્ષણની પ્રવૃત્તિ આગળ વધારે. પરંતુ દરેક વિદ્યાર્થી એક મતે સહમત થશે કે ઓનલાઇન શિક્ષણમાં પેલા જેવી મજા નથી. ઓનલાઇન શિક્ષણના અનેક ગેરફાયદા વચ્ચે, એક કાયદાના વિદ્યાર્થી તરીકે આજે મારે ઓનલાઇન શિક્ષણ કઈ રીતે કાયદાના અભ્યાસમાં ફાયદા કારક નીવડ્યું અને કાયદાના અભ્યાસમાં કેવા પરિવર્તનો લાવ્યું કે જેને અત્યાર સુધી બધા દ્વારા જાકારો આપવામાં આવેલો તેની વાત કરવી છે.
પરંપરાગત રીતે, કાયદાના શિક્ષણમાં (મુખ્યત્વે એલ.એલ.બી). દરમિયાન અભ્યાસક્રમમાં ચર્ચા સાથેના વ્યાખ્યાનો, લેખન (સંશોધન પેપરો!), મૂટ કોર્ટ (અદાલતની કાર્યવાહી જેવી વ્યવસ્થા કે જેમાં વિધાર્થીઓ કાલ્પનિક તથ્યો ઉપર દલીલો કરે) અને પરીક્ષાઓ (મુખ્યત્વે વ્યક્તિની યાદશક્તિનું પરીક્ષણ કરતી) નો સમાવેશ થાય છે.
શાળાના વર્ગખંડોમાં, વિદ્યાર્થી-શિક્ષકની સંલગ્નતા વધુ હોય છે, પરંતુ અમુક પરિબળો જેવા કે તકનીકી અવરોધો અને દેશના કેટલાક ભાગોમાં નબળા ઇન્ટરનેટ જોડાણ ઓનલાઇન વર્ગોમાં મુખ્ય અવરોધ તરીકે કામ કરે છે. જયારે સમગ્ર ભારતમાં લોકડાઉન દરમિયાન, સર્વોચ્ચ ન્યાયાલય અને દેશભરના વિવિધ રાજ્યમાં આવેલી ઉચ્ચ ન્યાયાલયોએ અદાલતની કાર્યવાહી વર્ચ્યુઅલ (ઓનલાઇન) કરી, કટોકતીની બાબતોનું તાત્કાલિક ધોરણે નિવારણ કરવાની શરૂઆત કરી હતી (જે આજની તારીખે પણ ચાલુ છે), એ જ સમયે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મૂટ કોર્ટ વર્ચુઅલ પ્લેટફોર્મ પર ચલાવવા માટે અચકાતા હતા. મૂટ કોર્ટ કાયદાકીય શિક્ષણનો અભિન્ન ભાગ છે જે કાયદાના વિદ્યાર્થીઓના જીવનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે અને તેણીને પોતાનો કેસ રજૂ કરવા અને કોર્ટ સમક્ષ દલીલ કરવા માટે તૈયાર કરે છે. ભારતના મુખ્ય ન્યાયાધીશે એક વર્ચુઅલ સુનાવણી વખતેતો એ હદ સુધી કહ્યું હતું કે વર્ચુઅલ સુનાવણી આગામી સમયમાં ન્યાયિક પ્રકિયા નો અભિન્ન ભાગ બનીને રહેવાની છે. જયારે આગામી શૈક્ષણિક વર્ષ સમગ્ર ભારતમાં ઓનલાઇન થઇ ગયું, ત્યારે નાછૂટકે મૂટ કોર્ટ ચલાવવા માટે દરેકે અનિવાર્ય પણે વર્ચુઅલ માધ્યમોનો સહારો લેવો પડ્યો.
પરંતુ, જો કોઈને ખરેખર ઓનલાઇન શિક્ષણનો આભાર માનવો હોય, તો તે પરીક્ષા લેવાના અભિગમ માટે હોઈ શકે છે. સામાન્ય રીતે, કાયદાની પરીક્ષામાં સિદ્ધાંત આધારિત પ્રશ્નો અને સમસ્યા આધારિત પ્રશ્નો હોય છે, જેના માટે વિદ્યાર્થીઓને ભારતની ઉપલી અદાલતોના (ખાસ કરીને સર્વોચ્ચ અદાલત) કેટલાક સીમાચિહ્ન ચુકાદાઓ યાદ રાખવાની ફરજ પડતી (ભારતની ન્યાયપાલિકામાં ઉપલી અદાલત દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ અને ખાસ કરીને તેમાં રહેલા સિદ્ધાંતો નીચલી અદાલતો માટે બંધનકર્તા હોય છે અને કેસોના નિકાલ કરતી વખતે તેમને આ ચુકાદોને બાધ્ય રહીને ચુકાદા આપવાના હોય છે). સામાન્ય રીતે કાયદાના અભ્યાસમાં આ ઉપલી અદાલતોના ચુકાદાઓ વાંચવાની અને અદાલતે અપનાવેલા કાનૂની તર્કને સમજવાની જરૂર હોય છે, પરંતુ પરીક્ષાની જૂની પદ્ધતિમાં આ ચુકાદોના સંદર્ભ આપવા માટે વિદ્યાર્થીઓ મૂળ ચુકાદાઓ વાંચવાને બદલે પાઠયપુસ્તકોમાં આપવામાં આવેલા સારાંશ વાંચતા. આવા વલણથી તેઓ અદાલતના ચુકાદાઓ વાંચવાની અને સમજવાની મહત્વપૂર્ણ કુશળતાથી વંચિત રહી જતા જે વકીલની કારકિર્દીમાં મહત્વનો ભાગ ભજવે છે. આ ટૂંકીદ્રષ્ટિની પદ્ધતિ આવા કાયદાના વિદ્યાર્થીમાંથી એવા વકીલને તૈયાર કરતી કે જે વાસ્તવિક જીવનની કાનૂની સમસ્યાઓ હલ કરવા માટે ક્યારેક સક્ષમ ન નીવડતા. દરેક વિદ્યાર્થી ઘરે હોવાથી તેમને વિશ્વવિદ્યાલયના પુસ્તકાલયનો લાભ મળતો બંધ થયો અને તેથી દરેક વિષયને સમજવા માટે તેમને ઉપલી અદાલતોના ચુકાદા વાંચવા સિવાય કોઈ છૂટકો જ ન હતો. ખરેખરતો કોઈ કાયદાનો વિષયને સમજવા માટે, ચુકાદાઓથી વિશેષ તો કોઈ સાહિત્ય હોઈ જ ના શકે.
વ્યવહારીક રીતે, વકીલની દૈનિકરૂચિમાં સામાન્યરીતે કાયદાકીય સમસ્યાના ઉકેલ માટે ઉપલબ્ધ તમામ સાહિત્યમાંથી સંશોધન કરીને તેને હલ કરવાનો સમાવેશ થાય છે. અહીં યોગ્ય કાનૂની જોગવાઈઓ અને ઉપલી અદાલતોના ચુકાદાઓ ઓળખવાની અને તેને હાથ પર આવેલા કેસ માં ઉપયોગ કરી અને પોતાના પક્ષકારના હિતમાં ઉપયોગ કરી તેને ન્યાય અપાવવાની ક્ષમતા મુખ્ય ભાગ ભજવે છે. ઓનલાઇન શિક્ષણ કે જેમાં વિદ્યાર્થી ઘરે બેઠો છે અને તેની પાસે તમામ સાહિત્ય ઉપલબ્ધ છે, પ્રોફેસરોને પરીક્ષા પ્રશ્નપત્ર ની રચના ઓપન બુક માફક કરવાની ફરજ પડી. ઓપન બુક પરીક્ષામાં આવા પ્રશ્નો ના પુછાય કે જેનો જવાબ સીધો કોઈ સાહિત્યમાં તૈયાર મળે, પણ આવે પ્રશ્નો કે જે વિદ્યાર્થીને વિચારવા માટે મજબુર કરે.
ઓપન બુક પરીક્ષાએ એક રીતે ખોટો શબ્દ છે. ઓપન બુક પરીક્ષા એટલે એવું નથી હોતું કે વિધાર્થી પરીક્ષા દરમિયાન જ ફક્ત પુસ્તક ખોલે અને જે કઈ મળે તેને જવાબપત્ર માં લખી નાખે. ઓપન બુક પરીક્ષા એટલે એવી પરીક્ષા કે જેમાં વિદ્યાર્થીએ અગાઉથી પૂરતું સાહિત્ય વાંચેલું અને સમજેલું હોય પણ વાંચતી વખતે તે યાદ રાખવાના તણાવ થી મુકટ હોય. પરીક્ષા વખતે વિદ્યાર્થી આ વાંચેલા સાહિત્યનો ઉપયોગ કરી અને યોગ્ય સંદર્ભો આપી મર્યાદિત સમયમાં યોગ્ય જવાબ લખે. આ પ્રકારની પરીક્ષા એ વિદ્યાર્થીઓને ચકાસવાની આદર્શ રીત છે, કારણ કે પ્રેક્ટિસ કરતો વકીલ દરરોજ પોતાના જીવનમાં આ જ રીતે પરીક્ષા આપે છે.
વર્ગખંડમાં ભણવાના દિવસો પાછા આવશે અને બધું પહેલા જેવું થઇ જશે પણ એવું વિચારવું ભૂલ ભરેલું હશે કે પહેલાના આરામદાયક દિવસો કે જયારે કાયદાનો વિદ્યાર્થી ગાઈડ અને તૈયાર સાહિત્ય ઉપર આધાર રાખી ભણતો તે દિવસો પણ પાછા આવશે. પડકારથી ભરેલા દિવસો પહેલાના દિવસોની જગ્યા લેશે જેમાં જે બદલાવને અનુકૂળ હશે તે આગળ વધશે અને જે પ્રતિકૂળ હશે તે બદલાયેલા સમયમાં માત્ર પોતાનું અસ્તિત્વ બચાવીને ખુશ રહેશે.
The author, Parth Thummar, is currently a law student at the Rajiv Gandhi School of Intellectual Property Law, IIT Kharagpur.
